
બોટાદ, 31 માર્ચ (હિ.સ.) : બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા રેલવે ટિકિટના કાળા બજાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘ઓપરેશન સતર્ક’ અંતર્ગત લીમડી રેલવે સ્ટેશન પરથી ટિકિટના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 82 રેલવે ટિકિટ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,87,795 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, ઇન્સ્પેક્ટર સુનિલ કુમારના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર હરિદ્વત કુમાર, હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર વાઘેલા અને કોન્સ્ટેબલ સત્યેન્દ્રસિંહની ટીમ દ્વારા લીમડી રેલવે સ્ટેશન પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળતા તેમને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બીજા આરોપીનું નામ નવસાદ અમીરભાઈ બગસરીયા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને આરોપીઓ અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ટિકિટ બુક કરીને તેને વધુ કિંમતે વેચતા હતા અને આ રીતે કાળા બજારનું ગેરકાયદેસર જાળું ચલાવતા હતા.
RPF દ્વારા આરોપીઓ પાસેથી મળેલી ટિકિટો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી રેલવે ટિકિટના ગેરકાયદેસર વેચાણ પર કાબૂ મેળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
RPF અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને યોગ્ય દરે ટિકિટ મળી રહે તે માટે આવા તત્વો સામે સતત નજર રાખવામાં આવી રહી છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે રેલવે તંત્ર મુસાફરોના હિતોની રક્ષા માટે સતર્ક છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT