
સુરત, 31 માર્ચ (હિ.સ.) : સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલા એક રહેણાંક મકાનમાં આજે અચાનક ભીષણ આગ લાગતા 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેના કારણે ત્યાં જ્વલનશીલ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અચાનક આ કેમિકલમાં બ્લાસ્ટ થતા ભયાનક આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોના નામ:
શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉંમર 65 વર્ષ)
હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉંમર 18 વર્ષ)
શુભાન રમઝાન અલી અંસારી (ઉંમર 4 વર્ષ)
શબીના રમઝાન અલી અંસારી (ઉંમર 28 વર્ષ)
પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉંમર 19 વર્ષ)
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ઘટના સ્થળે હાજર સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ મવાણીએ જણાવ્યું કે મનપાનો ફાયર વિભાગ અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ તત્પરતા સાથે કામગીરીમાં જોડાયેલ છે.
હાલમાં તંત્ર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારોમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે