
બોટાદ, 30 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લા કરાટે એસોસિએશન દ્વારા જ્ઞાનમંદિર સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ઉત્સાહ અને ખેલભાવનાથી ભરપૂર રહી હતી, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવા કરાટેકાઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. એસોસિએશનના પ્રમુખના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.આ સ્પર્ધામાં બોટાદ જિલ્લાના કુલ 26 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે પોતપોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરતા હતા. સ્પર્ધામાં 4 વર્ષથી લઈને 22 વર્ષની વય સુધીના 130થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાનાં બાળકો થી લઈ યુવાનો સુધી સૌએ કરાટેના વિવિધ કૌશલ્યોનું સુંદર પ્રદર્શન કરી હાજર રહેલા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.સ્પર્ધા દરમિયાન વિવિધ કેટેગરીમાં મુકાબલા યોજાયા હતા, જેમાં કતા અને કુમિતે જેવી પ્રતિકાત્મક કરાટે સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓએ શિસ્ત, આત્મવિશ્વાસ અને તાકાતનું ઉત્તમ પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. આ સાથે જ વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે કરાટે માત્ર રમત નહીં પરંતુ આત્મરક્ષા અને શારીરિક તેમજ માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને વધુમાં વધુ રમતગમત સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.સ્પર્ધા સફળ બનાવવા માટે શિક્ષકો, કોચીસ તેમજ સ્વયંસેવકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT