
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના વતની ડૉ. ગણેશ બારૈયા આજે સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે. માત્ર 3 ફૂટ 4 ઇંચ ઊંચાઈ અને આશરે 18 કિલો વજન ધરાવતા હોવા છતાં તેમણે પોતાના જીવનમાં જે સંઘર્ષ કર્યો છે, તે દરેક માટે હિંમત અને દ્રઢ નિશ્ચયનું અનોખું ઉદાહરણ છે.બાળપણથી જ શારીરિક મર્યાદાઓ હોવા છતાં ડૉ. ગણેશ બારૈયાએ ક્યારેય પોતાના સપનાઓને છોડ્યા નહોતા. ડૉક્ટર બનવાની તેમની ઇચ્છા મજબૂત હતી અને તે માટે તેમણે સતત મહેનત અને પ્રયત્નો ચાલુ રાખ્યા. પરંતુ જ્યારે મેડિકલ અભ્યાસ માટે પ્રવેશ લેવાનો સમય આવ્યો ત્યારે તેમની ઓછી ઊંચાઈને કારણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) દ્વારા તેમને મંજૂરી આપવામાં આવી નહોતી.આ પરિસ્થિતિમાં ઘણા લોકો હિંમત હારી જાય, પરંતુ ડૉ. બારૈયાએ હાર માનવાની જગ્યાએ કાનૂની લડત લડવાનો નિર્ણય લીધો. તેમણે ગુજરાત હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી પોતાની વાત પહોંચાડી.
તેમની અડગ ઈચ્છાશક્તિ અને હિંમતના કારણે અંતે તેમને મેડિકલ અભ્યાસ માટે મંજૂરી મળી અને તેમણે સફળતાપૂર્વક MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી.આજે ડૉ. ગણેશ બારૈયા ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ માત્ર દર્દીઓની સારવાર જ નથી કરતા, પરંતુ પોતાના જીવનથી અનેક લોકોને પ્રેરણા પણ આપી રહ્યા છે. તેમના જીવનનો સંદેશ સ્પષ્ટ છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો કોઈપણ અવરોધ તમને રોકી શકતો નથી.સમાજમાં ઘણીવાર લોકો શારીરિક મર્યાદાઓને કારણે પોતાના સપનાઓ છોડી દેતા હોય છે, પરંતુ ડૉ. બારૈયાનું જીવન દર્શાવે છે કે સંકલ્પ અને મહેનત હોય તો કોઈપણ સપનું સાકાર કરી શકાય છે.ડૉ. ગણેશ બારૈયા માત્ર એક ડૉક્ટર નથી, પરંતુ તેઓ એક જીવંત પ્રેરણા છે, જે બતાવે છે કે સાચી ઇચ્છા અને હિંમત હોય તો અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT