
અમરેલી, 30 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે આજે બપોરના સમયે ફરી એક વખત ભૂકંપના હળવા ઝટકા અનુભવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અચાનક ધરતી ધ્રુજી ઊઠતાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને થોડી ક્ષણો માટે ગભરાટ ફેલાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઝટકાઓ થોડા સેકંડ સુધી જ અનુભવાયા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર આવી ઘટનાઓ બનતા લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. ઘણા ગ્રામજનો રાત્રે પણ ભયના કારણે બહાર અથવા ખુલ્લી જગ્યાએ રહેવાનું પસંદ કરી રહ્યા છે.
હાલ સુધી કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ લોકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. ભૂકંપના ઝટકાની તીવ્રતા વિશે હજી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં અફવાઓથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નિષ્ણાતો દ્વારા પણ આ વિસ્તારની ભૂગર્ભીય સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai