
ગીર સોમનાથ, 30 માર્ચ (હિ.સ.) : પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ઉપલબ્ધતા તથા જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ સુનિશ્ચિત કરવા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને વેરાવળ પ્રાંત કચેરી ખાતે પેટ્રોલપંપ-ઓઈલ કંપનીના પ્રતિનિધિઓ અને ગેસ કંપનીના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરુરિયાત વસ્તુઓની કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમજ કલેક્ટરશ્રીએ પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે અંગે વિશેષ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત, ગેસ પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરતા કલેક્ટરએ આગોતરા આયોજનના ભાગરૂપે નાગરિકો પાઈપ નેચરલ ગેસ (PNG) અપનાવે અને પી.એન.જી અને એલ.પી.જી એમ ડબલ કનેક્શન હોય તો સત્વરે સિલિન્ડર સરેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ સુનિશ્ચિત કરવા અને જ્યાં રાંધણગેસની વધુ જરૂરિયાત છે તેવી હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલો, સામાજિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો જેવા સ્થળોએ પીએનજી કનેક્શનને અગ્રતા આપવા પર ભાર મૂક્યો હતો.
નાગરિક સમાજની જીવનજરુરિયાતની મહત્વની વસ્તુઓ અને ખાતરના જથ્થાની ઉપલબ્ધતા અંગે પણ કલેકટરએ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી. ખાસ તકેદારી અને બાજનજર રાખી સંગ્રહખોરો અને કાળા બજાર કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરએ સૂચનો કર્યા હતા.
જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલનો જથ્થો તેમજ રાંધણગેસનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. તંત્ર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના સ્ટોકનું દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ ૨૧ ગેસની એજન્સીઓ મારફતે પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ તમામ એજન્સીઓ પાસે કુલ ૬૨૦૯ સિલિન્ડર ઉપલબ્ધ છે તેમજ ૨૯૧૨નો સ્ટોક આવકમાં છે. આ સાથે જ જિલ્લામાં ૧૨૫ થી વધુ પેટ્રોલપંપ અને ૧૦ થી વધુ સી.એન.જી પંપ મારફતે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત થઈ રહી છે.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તા.૧૬.૦૩.૨૦૨૬ થી ૨૬.૦૩.૨૦૨૬ એમ દસ દિવસમાં ગેસ એજન્સીઓ, જૂદી-જૂદી રેસ્ટોરન્ટ, હોટેલ રિસોર્ટ વગેરે જગ્યાઓમાં ૭૧ તપાસણી કરી અને રૂ.૬,૧૪,૦૦૬ નો જથ્થો સીઝ કરાયો છે. ગેસની કાળાબજારી ન થાય તે માટે દરેક જગ્યાએ એક્ઝિક્યૂટીવ મેજિસ્ટ્રેટ તથા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત સંબંધિત ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ, ગેસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ આર.ટી.ઓ, શિક્ષણ વિભાગ, આરોગ્ય સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ