
અમરેલી, 30 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના બાબરા નજીક આવેલા વલારડી ગામે ગીરીબાપુ દ્વારા આયોજિત શિવકથાનો પાવન કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય કાકડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગીરીબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
શિવકથામાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બની ગયો હતો. ગીરીબાપુએ પોતાની કથામાં ભગવાન શિવના જીવનચરિત્ર, આધ્યાત્મિકતા અને સદાચારના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે કાકડીયાએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, શાંતિ અને સકારાત્મકતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ગીરીબાપુના આશીર્વાદ લઈ સમાજ સેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન અને ધાર્મિક પ્રવચનો દ્વારા ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો હતો. ઉપસ્થિત લોકોએ આ પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો અને આવા કાર્યક્રમો વધુ યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai