
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બેલા ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય કક્ષમાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલરાજપરા-૨ ગામમાં આવેલ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
પ્રાકૃતિક ખેતી કરતાં તળાજા તાલુકાના રાજપરા-2 ગામના ખેડૂત મહેશ કાળુભાઈ ધામેલીયાના ફાર્મની મુલાકાત લઈ રાજ્યપાલ ખેડૂતો, કૃષિ સખીઓ તથા માસ્ટર ટ્રેનરો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ આવનારી પેઢીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો અને માનવતાની સેવા કરવાનો એક ઈશ્વરીય માર્ગ છે.
સંવાદ દરમિયાન રાજ્યપાલે જણાવ્યું કે, પરંપરાગત ખેતીમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું રહે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી શૂન્ય ખર્ચ આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તેમાં બહારથી મોંઘા ખાતર કે જંતુનાશક ખરીદવાની જરૂર રહેતી નથી અને માત્ર એક દેશી ગાયના આધાર પર ખેતી શક્ય બને છે.પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ વધે છે અને બંજર જમીન પણ ફળદ્રુપ બને છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન લાંબા સમય સુધી જીવંત રહે છે, તેમ તેમણે જણાવ્યું હતું.આ ઉપરાંત યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.5 ટકા કરતાં પણ ઓછો રહ્યો છે, જેના પરિણામે જમીન કઠોર બની રહી છે.
રાસાયણિક ખેતીના લીધે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.પશુપાલન ક્ષેત્રની વાત કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગાયની નસલ સુધારવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. બહારના દેશો ક્રોસ બ્રિડિંગ દ્વારા દૂધ ઉત્પાદન વધારી શકે છે તો આપણે પણ સેક્સ સોર્ટેડ સીમન જેવી સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિઓ અપનાવી શકીએ છીએ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. એન. પરમાર, નાયબ બાગાયત નિયામક એમ.બી. વાઘમશી, જિલ્લા ખેતીવાડી અધિકારી રિઝવાન ઘાંચી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT