
મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરના મસિયા મહાદેવ મંદિર ખાતે માલગોડાઉન પટાંગણમાં પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જીવદયાના આ કાર્યને પ્રશંસનીય ગણાવ્યું હતું.
ઉનાળાની આકરી ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોને કુંડા વિતરણ કરવામાં આવ્યા અને દરેકને પોતાના ઘરના આંગણે અથવા અગાસી પર પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી.
આ પ્રસંગે શહેર ભાજપા પ્રમુખ કિરણસિંહ રાણા, મહેસાણા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ડો. પ્રો. રમેશભાઈ એન. પટેલ, ભાજપના સક્રિય સભ્ય દિલીપસિંહ જાડેજા અને બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ દરેક નાગરિકની જવાબદારી છે અને આ પ્રકારની પહેલ સમાજમાં સંવેદના અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને મજબૂત બનાવે છે.
આ કાર્યક્રમ દ્વારા લોકોમાં જીવદયા અને પર્યાવરણ જતનની મહત્વતા અંગે સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR