
મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરના ઐતિહાસિક તળાવને આધુનિક ‘લેક ફ્રન્ટ’ તરીકે વિકસાવવા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરની સુંદરતા વધારવા અને નાગરિકોને મનોરંજન માટે ઉત્તમ સ્થળ પૂરૂં પાડવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવના કિનારાઓને મજબૂત બનાવવામાં આવશે તેમજ પાણીનું સ્તર જળવાઈ રહે અને આસપાસની જમીનનું ધોવાણ અટકાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે નાગરિકો માટે યોગા ડેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, હરીયાળા લોન અને છાયાવાળા આરામ સ્થળો તૈયાર કરવામાં આવશે.
મોર્નિંગ વોકર્સ માટે તળાવની આસપાસ સુવિધાસભર વોકિંગ પાથ પણ બનાવવામાં આવશે, જેથી લોકો સ્વચ્છ અને શાંત વાતાવરણમાં સમય વિતાવી શકે. ઉપરાંત મુલાકાતીઓ માટે શૌચાલય અને વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરમાં પર્યાવરણનું જતન થશે અને સ્થાનિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. મહેસાણા નાગરિકો માટે આ તળાવ વિકાસ યોજના કુદરતી સૌંદર્ય અને આરામદાયક વાતાવરણનો અનોખો અનુભવ પૂરું પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR