
મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : ઐતિહાસિક નગરી વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક ટેક્નોલોજી સાથે વિકસાવાયેલ વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો 31/03/2026ના રોજ લોકાર્પિત થવાનો છે. અંદાજિત રૂ.25 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ ભારતના વડાપ્રધાનના વરદહસ્તે વાવ-થરાદથી કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત દરરોજ 2 શો યોજાશે.
આ પ્રોજેક્ટ હેઠળ તળાવના પાણીની સપાટી પર વિશાળ સ્ક્રીન ઊભી કરી એક્વા સ્ક્રીન પ્રોજેક્શન, મ્યૂઝિકલ ફાઉન્ટેન અને ડાન્સિંગ વોટર સાથે લાઇટિંગ ઇફેક્ટ્સ દ્વારા વડનગરના ગૌરવશાળી ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને દ્રશ્ય-શ્રાવ્ય રૂપે રજૂ કરવામાં આવશે. રંગીન લાઇટ્સ અને સંગીતના સમન્વયથી દર્શકોને અનોખો અનુભવ મળશે.
આ સાથે રૂ.34.45 કરોડના હેરિટેજ ટાઉન વિકાસ પ્રોજેક્ટ હેઠળ હાટકેશ્વર મંદિર અને સંગીત સંગ્રહાલય આસપાસ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અંડરગ્રાઉન્ડ લાઈટિંગ અને કલાત્મક સુશોભન કામો પણ પૂર્ણ કરાયા છે.
સરકારનો હેતુ વડનગરને આધુનિક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો છે, જ્યાં ઈતિહાસ અને નવીનતાનો સુમેળ જોવા મળે. શર્મિષ્ઠા તળાવ ખાતેનો આ પ્રોજેક્ટ પ્રવાસીઓને આકર્ષિત કરી શહેરના પર્યટન વિકાસને નવી દિશા આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR