

મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : મહેસાણા તાલુકાના ગોજારીયા ગામે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર - 1’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગામમાં ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.
કાર્યક્રમ દરમિયાન સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલને સમાજમાં આરોગ્ય જાગૃતિ અને પોષણ સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પ્રસંગે પૂર્વ મહેસાણા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મિહીલભાઈ પટેલ, ભાજપા પ્રદેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામના સહયોગથી આ જનકલ્યાણકારી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ ગામડાં સુધી પહોંચે. ખાસ કરીને સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાજને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમ ગોજારીયા સહિત આસપાસના વિસ્તારો માટે પ્રેરણારૂપ સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR