
નવસારી, 30 માર્ચ (હિ.સ.) : નવસારી જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં લાંબા સમયથી ફરાર રહેલા વાહન ચોરીના કેસોમાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને LCB પી.આઈ. વી.જે. જાડેજાની દેખરેખમાં ટીમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી.
મળતી માહિતીના આધારે LCBના સ્ટાફે ધોળાપીપળા બ્રિજ નીચે દરોડો પાડી મધ્યપ્રદેશની કુખ્યાત ચોંગડ ગેંગ સાથે જોડાયેલા સચીન જુગલીયાભાઈ ચૌગડને ઝડપી લીધો. આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ ધરપકડ સાથે સુરતના પાંડેસરા અને સચીન GIDC પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના લગભગ 10 કેસોનો ભેદ ઉકેલાયો છે. હાલ આરોપીને વધુ પૂછપરછ અને કાનૂની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ગુજરાતમાં આવી, રાત્રિના સમયે એકાંત સ્થળોએ પાર્ક કરેલી મોંઘી બાઇકોના લોક તોડી ચોરી કરતો હતો. ત્યારબાદ તે આ વાહનોને પોતાના વતનમાં સસ્તા ભાવે વેચી નાખતો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે