વડાપ્રધાન મોદી આગામી 31 માર્ચના રોજ વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર, 30 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત
વાવ થરાદ


- ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગાંધીનગર, 30 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના ₹8886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વાવ-થરાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક નિર્માણાધીન છે. આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવડાના RE પાર્ક માટે ઊર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ (કુલ ₹3645 કરોડના ખર્ચે) કરવા જઇ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા હજારો મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું રાષ્ટ્રીય ગ્રીડ સાથે અસરકારક જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે હરિત ઊર્જાનો વ્યાપ વધશે અને ઊર્જા સુરક્ષા મજબૂત બનશે.

આ ઉપરાંત, ભારત સરકારના માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ ઇડર-બડોલી બાયપાસ ફોર લેન રોડ (₹705 કરોડના ખર્ચે) અને ધોળાવીરા-મૌવાણા-વોવા-સાંતલપુર સેક્શનનું (₹575 કરોડના ખર્ચે) ખાતમુહૂર્ત તેમજ અમદાવાદ-ધોલેરા પેકેજ 1 (₹1298 કરોડના ખર્ચે), પેકેજ 2 (₹1415 કરોડના ખર્ચે), પેકેજ 3 (₹1034 કરોડના ખર્ચે) અને પેકેજ 4નું (₹1358 કરોડના ખર્ચે) લોકાર્પણ કરવામાં આવશે. ભારત સરકારના રેલવે મંત્રાલયના ₹891 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ગાંધીધામ-આદિપુર વચ્ચે ક્વૉડ્રપલિંગ અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે કાનાલુસ-જામનગર ડબલિંગ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને ખેડબ્રહ્મા ખાતેથી લીલી ઝંડી આપવામાં આવશે. આમ, કુલ મળીને આ ભારત સરકારના આ ત્રણ મંત્રાલયો હેઠળ ₹10,921 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આગામી 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹8886 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹5295.5 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ખાતે ખારીકટ કેનાલનો વિકાસ, અમદાવાદ મહાનગરપાલિકાની BRTS અને AMTS બસ સર્વિસનું મોડર્નાઇઝેશન, હાલના સુભાષબ્રિજને તોડી નાંખીને નવા ફોર લેન બ્રિજનું કન્સ્ટ્રક્શન, આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે આર્થિક રીતે પછાત વર્ગો (EWS) માટે રહેણાંક ઘરોનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી અડાલજ TSPS સુધી ખુલ્લા ખોદકામ (લંબાઈ = 2420 મીટર) અને માઇક્રોટનલિંગ (લંબાઈ = 3180 મીટર) દ્વારા 1800 મીમી ગટર ટ્રંક નાખવી, પેથાપુર ખાતે 15 એમએલડી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન, રાંધેજા ખાતે 4 તળાવોનું ઇન્ટરલિંકિંગ અને સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું કામ વગેરે જેવા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ વિભાગ ઉપરાંત, ગુજરાત સરકારના જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, આદિજાતિ વિકાસ તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે, જેનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande