
વાપીના, 30 માર્ચ (હિ.સ.) : વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક કટલેરી દુકાનમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે, જે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
એક વીડિયોમાં જોવા મળે છે કે બુરખા પહેરેલી કેટલીક મહિલાઓ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કરે છે. તેઓ દુકાનદારનું ધ્યાન અન્ય તરફ ખેંચીને કટલેરીનો સામાન ચોરી કરતી દેખાય છે. આ સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઈ છે.
બીજા એક વીડિયોમાં એક પુરુષ અને એક સ્ત્રી માસ્ક પહેરીને દુકાનમાં આવે છે. તેઓ પણ એ જ રીતે દુકાનદારને ભટકાવીને ચોરી કરે છે અને ત્યાંથી નીકળી જાય છે. બંને ઘટનાઓ એક જ દુકાનમાં અલગ-અલગ સમયે બન્યાનું જાણવા મળે છે.
માહિતી અનુસાર, આ મામલે હજુ સુધી દુકાનદારે પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. તેમ છતાં, વાયરલ થયેલા વીડિયોના કારણે આ ઘટના પર સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે