
સુરત, 30 માર્ચ (હિ.સ.): માંગરોળ તાલુકાના ખેતી અધિકારી રાકેશકુમાર વસાવા, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ડો.એ.આર.ગજેરા તથા ખેતી અધિકારી વી.આર.મેતાલીયાની સંયુક્ત સ્કોડ ટીમે તા.26/3/2026ના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સિમમાં સેન્ડોઝ એગ્રી ઇન્ડીયા પ્લોટ નં.1/1, હાઇબોન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે તપાસ કરી હતી.
તપાસ કરતા માલુમ પડયું હતું કે, જવાબદાર વ્યકીતઓ દ્વારા લાઈસન્સીંગ ઓથોરીટીની જાણ બહાર એક જ સ્થળ પાસે લાયસન્સ મેળવી અન્ય સ્થળે જંતુનાશક દવાઓનો સંગ્રહ કરવો, નિયત નમુના મુજબના ટેકનિકલ અને ફોર્મ્યુલેશનની ખરીદી/આયાત/વેચાણ અંગેના અધૂરા સ્ટોક રજિસ્ટર તથા વેચાણ બિલોમાં અધુરી વિગતો દર્શાવી તથા સી.આઈ.બી. રજીસ્ટ્રેશન મેળવ્યા વગરની જંતુનાશક દવાનો સંગ્રહ/ઉત્પાદન કરી જંતુનાશક દવાના અધિનિયમનો ભંગ કરી આવી સી.આઈ.બી રજીસ્ટ્રેશન મેળવ્યા દવાઓનો અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલો જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત વધુમાં રજિસ્ટ્રેશન વગરની ડિલાઈટ બ્રાન્ડની ટોપરામીઝોન 336 ગ્રામ/લિ. (સીલેક્ટીવ હર્બીસાઈડ) જંતુનાશક દવાના 30 મિલી ટેકનીકલ અને 300 મિલી સરફેકટન દવાના 650 નંગ બોક્સ તથા આવી દવા ભરી શકાય તેવા 1850 નંગ ખાલી દવાના બોક્સ મળી આવતા જંતુનાશક દવાના નિયમો-1971 નિયમ-10(3) અને 15નાં ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં આ અનાધિકૃત દવાના નમુનાનો એક સિલબંધ ભાગ પુથ્થકરણ અર્થે સેંટ્રલ ઇન્સેક્ટીસાઇડ લેબોરેટરી ફરીદાબાદ ખાતે મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જેથી ખેતી અધિકારી રાકેશ વસાવાએ પાલોદ પોલીસ સ્ટેશન ખાતે માલિક/ભાગીદાર કિશોરભાઈ ઢોલરીયા અને જીવણભાઈ ધામેલીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે