
સુરત, 30 માર્ચ (હિ.સ.) વેસુ, જાલી રેસીડેન્સી પાસે રહેતી મહિલા પાસેથી હરિપુરાના સોનીએ દાગીના બનાવવા માટે સોનું અને ડાયમંડનો કુલ રૂપિયા 31.50 લાખનો માલ લીધા બાદ પરત નહી આપી છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેસુ, જાલી રેસીડેન્સી પાસે, એસએનએસ સ્પ્લેન્ડીડ ખાતે રહેતા બીપીનકુમાર જયંતીલાલ સાકરીયા ભેસ્તાનમાં યાર્નની ફેકટરી ધરાવે છે. જયારે તેમની પત્ની રોશનીબેન છેલ્લા બાર વર્ષથી ઘરેથી આર.ડી.જવેલર્સના નામથી સોના તથા હીરાના દાગીનાનો વેપાર ધંધો કરે છે. રોશનીબેનને દસ વર્ષ પહેલા માર્કેટના વેપારી મારફતે ધંધાના કામ અર્થે હીરપુરા, ભવાની મંદીર પાસે, પંચોલી શેરીમાં કાચા સોનાના દાગીનાનું જડતર કરી દાગીના બનાવી આપવાનું કામ કરતા નયનશીલ ઉર્ફે બિંદુ સાથે ઓળખાણ થઈ હતી.
રોશનીબેને છેલ્લો ધંધો એપ્રિલ 2025માં કર્યો હતો પરંતુ જયારે જયારે તેઓ નયનશીલને કાચા સોનાનો માલ આપતા તેના બદલામાં દાગીના બનાવી આપતો હતો. ત્યારે કાચા સોનાના વજન કરતા ઓછા વજન ધરાવતા દાગીના બનાવી આપી બાકીનો કાચા સોનાનો માલ પોતાની પાસે રાખતો હતો. આ અંગે રોશનીબેન તેઓને પુછતા ત્યારે પછી બધા વજન સોનું આપી દઈશ કહી એપ્રિલ 2025થી અત્યાર સુધીમાં રૂપિયા 30,80,000 ના મત્તાનું 220 ગ્રામ સોનું અને 65 હજારની કિંમતના 1.56 કેરેટના ડાયમંડની અવાર નવાર માંગણી કરવા છતાંયે પરત આપ્યા ન હતા.
આ રીતે નયનશીલ ઉર્ફે બિંદુ દ્વારા કાચા સોનામાં અને ડાયમંડમાં કટ મારી કુલ રૂપિયા 31,45,000 ની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવતા રોશનીબેનએ ગતરોજ ફરિયાદ નોધાવતા વેસુ પોલીસે તેમની ફરિયાદને આધરે નયનશીલ ઉર્ફે બિંદુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે