
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે સમાજના શૈક્ષણિક સશક્તિકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ.૬ લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય અંતર્ગત સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ-દલિત અધિકાર સંઘ, ભાવનગર દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડો.પ્રદ્યુમન વાજાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
આ સન્માન સમારોહ દરમિયાન મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સરકાર છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય અને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. તેમણે દલિત અધિકાર સંઘ અને શૈક્ષણિક સંસ્થાઓની સામાજિક જાગૃતિ લાવવાની કામગીરીને બિરદાવી હતી અને સમાજના ઉત્થાન માટે શિક્ષણને પાયાની જરૂરિયાત ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે, સંસ્કાર અને સંસ્કૃતિની ધરા ગણાતા ભાવનગર સહિત સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે ગઈકાલે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના અંદાજે ૧૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત આવક મર્યાદામાં ધરખમ વધારો કરવાની ઐતિહાસિક નિર્ણય ને આવકારી હતી. આ યોજનાનો લાભ રૂ.૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ સુધી કરવામાં આવી છે, જેનાથી મધ્યમ અને શ્રમિક વર્ગના હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખૂલશે તેમ તેમણે જણાવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT