
બોટાદ, 30 માર્ચ (હિ.સ.) : બોટાદ શહેરમાં ‘વંદે માતરમ @150’ નિમિત્તે એક ભવ્ય અને પ્રેરણાદાયી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના ઐતિહાસિક વારસાને સન્માનિત કરવાનો અને નાગરિકોમાં દેશપ્રેમ, એકતા તથા રાષ્ટ્રીય ચેતનાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.આ પદયાત્રામાં શહેરના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓ, યુવાનો, વરિષ્ઠ નાગરિકો તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો. હાથમાં તિરંગા ધ્વજ અને ‘વંદે માતરમ’ના ગૂંજતા નારા સાથે યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેના કારણે સમગ્ર શહેર દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું.યાત્રાની શરૂઆત શહેરના મુખ્ય સ્થળ પરથી કરવામાં આવી હતી અને વિવિધ માર્ગો પર ફરતા ફરતા અંતે સરકારી હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. માર્ગ દરમિયાન અનેક સ્થળોએ સ્થાનિક લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને ભાગ લેનારાઓને પાણી તથા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT