
જામનગર, 31 માર્ચ (હિ.સ.) :
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે, અને મહાનગરપાલિકા જેવી સંસ્થાને હાનિ પહોંચે તેમજ તેના અધિકારી અને કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે પ્રકારેનું કૃત્ય કરનાર શખ્સ સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
જામનગર શહેરના સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તા.30.03.2026 ના રોજ જામનગરના જયદીપસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા સામે બી.એન.એસ. કલમ 356(2), 353(2) તથા 353(1)(બી) મુજબ એક ગુનો નોંધવામાં આવ્યો છે. અને તા. 27.02.2026 ના રોજ ગાંધીનગર-મચ્છરનગર વિસ્તારમાં બનેલી ઘટનાને આધારે જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી અધિકારી અનવરભાઈ હુસેનભાઈ ગજણ (ઉ.વ. 42), દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
જે ફરીયાદ મુજબ આરોપી જયદીપસિંહ ઉર્ફે ઝબ્બો ઉર્ફે મહાકાલ ઝાલા, રહે. જામનગર દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી અપશબ્દો ભરેલો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કોઇપણ આધાર-પુરાવા વગર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખોટા અને અસત્ય આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ વીડિયોના પ્રસારણથી મહાનગરપાલિકા જેવી સંસ્થા તથા તેના કર્મચારીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રજામાં અફવા, નફરત, દ્વેષ અને અણગમો ફેલાય તેવી પરિસ્થિતિ સર્જવામાં આવી હતી.
વધુમાં, નાગરિકોમાં ભય અને ચિંતા ઉભી કરી જામનગર મહાનગરપાલિકા જેવી સંસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી, તેવી ખોટી ધારણા ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર શાંતિ અને વ્યવસ્થા ભંગ થાય તેમજ સંસ્થાને બહુઆયામી નુકસાન થાય તેવી શક્યતા હોવાને કારણે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt