ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીની વર્ષ 2025-26 ની એકાંકી સ્પર્ધા ગાંધીનગરમાં યોજાઇ
ગાંધીનગર, 31 માર્ચ (હિ.સ.) ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા નિયમિત રીતે યોજાતી વાર્ષિક ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન ગાંધીનગરમાં થયું. જે ગાંધીનગરના નાટ્યરસિકો માટે અદભૂત મહોત્સવ સમાન પુરવાર થયો. શહેરના સેક્ટર 12 ખાતે આવેલ શ્રી બા
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 31 માર્ચ (હિ.સ.) ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા નિયમિત રીતે યોજાતી વાર્ષિક ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન ગાંધીનગરમાં થયું. જે ગાંધીનગરના નાટ્યરસિકો માટે અદભૂત મહોત્સવ સમાન પુરવાર થયો.

શહેરના સેક્ટર 12 ખાતે આવેલ શ્રી બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે બપોરે 3.30 કલાકે આ સ્પર્ધાનું ઉદઘાટન ગાંધીનગરના જાણીતા કલાકારો, સાહિત્યકારો અને બહારથી પધારેલ લગભગ 120 કલાકારો કસબીઓ સાથે ત્રણ નિર્ણાયકોનાં હસ્તે કરવામાં આવ્યું.

આ સ્પર્ધા અને મહામંચનના મુખ્ય આયોજક જીગર રાણા દ્વારા સ્વાગત પ્રવચન સાથે એકદમ નવી તરેહ અપનાવવામાં આવી અને આ સ્પર્ધાની ટ્રોફી ભાગ લેનાર નાટકોના દિગ્દર્શકોના હસ્તે વિમોચિત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન મેહુલ કવિએ સંભાળેલ. મુંબઈથી ખાસ પધારેલ બૉલીવુડ ફિલ્મો જેવી કે ટોટલ ધમાલ, પા, સ્કેમ 1992 વગેરે, અઢળક ગુજરાતી ફિલ્મો અને નાટકોના પ્રખ્યાત અભિનેતા અને NSDના સ્કૉલર શરદભાઈ વ્યાસ, દૂરદર્શન અમદાવાદના પૂર્વ કાર્યક્રમ નિર્દેશક, જાણીતા દિગ્દર્શક બિપિનભાઈ બાપોદરા અને નાટ્યક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કૃત અભિનેતા, નાટ્યવિદ, અભિનેતા ડૉ. ગુણવંત જાનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

આ મહામંચનમાં સૌપ્રથમ ગાંધીનગરના અખ્તર સૈયદ ગ્રૂપ દ્વારા નિર્મિત, અખ્તર સૈયદ દ્વારા રૂપાંતરિત તેમજ દિગ્દર્શિત નાટક ‘કપટ‘ ની રજૂઆત થઈ જે વિખ્યાત લેખક એંટન ચેખવ લિખિત અંગ્રેજી નાટક ‘ ધ બેટ’ ની મૂળ કૃતિ પર આધારિત હતું. જેમાં જનમટીપ અને ફાંસીની સજા વચ્ચેની સરખામણી દર્શાવવામાં આવી હતી અને તેના આધારે લાગેલ શરતની વાત હતી.

ત્યારબાદ જામનગરથી આવેલ નાટ્યવૃંદ વિકલ્પ થિયેટર દ્વારા નિર્મિત, પ્રયાગ દવે દ્વારા લિખિત અને ડૉ. ધૈર્ય ચોટાઈ દ્વારા દિગ્દર્શિત નાટક ‘ટ્રાફિક’ રજૂ થયું. એક બસ સ્ટેન્ડ નજીક બનેલ અકસ્માત અને ત્યાર બાદ એની આસપાસ રાચતી વિવિધ ઘટના, માનવીય પરિસ્થિતિગત વર્તણૂક અને ગુનાથી બચવાના સ્વાર્થની કથાવસ્તુને તમામ દર્શકોએ વખાણી. આ નાટકને શ્રેષ્ઠ ગુજરાતી મૌલિક નાટક તરીકે અને શ્રેષ્ઠ લેખક તરીકે પ્રયાગ દવેને એમ બે પારિતોષિક મળ્યા.

એના પછી રાજકોટની સંસ્થા શિવમ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત, અમોલ સાલ્વે દ્વારા રૂપાંતરિત અને ગૌતમ દવે દ્વારા દિગ્દર્શિત નાટક ‘ સ્ટિયરિંગ ‘ રજૂ થયું. જેમાં એક સાવ મધ્યમ વર્ગના વ્યક્તિ માટે સરકારી ડ્રાઈવરની નોકરીનું મહત્વ અને તેની સાથે પરિવારની ખાટી મીઠી લાગણીઓ, સપનાઓની આબેહૂબ રજૂઆત થઈ. આ નાટકે દ્વિતીય શ્રેષ્ઠ નાટક તરીકે ખિતાબ મેળવ્યો તો તેના બે મુખ્ય કલાકારો યતીન આશરા અને અમૃતા ગુપ્તા બંનેને શ્રેષ્ઠ અભિનય માટે અને દ્રશ્ય રચના માટે ડાર્વિન મરડીયા અને નિશા દેવરાને પરિતોષિક મળ્યા.

ત્યાર બાદ સુરતના નાટ્યવૃંદ થેસ્પિયન આર્ટ્સ દ્વારા નિર્મિત, યશ ઉપાધ્યાય દ્વારા દિગ્દર્શિત અને પિયુષ ભટ્ટ લિખિત નાટક ‘ અપૌરુષ ‘ની રજૂઆત થઈ. જેમાં એક નાટ્ય લેખક પોતાના પાત્રોની મદદથી પોતાની જિંદગી, પોતાનો સ્વભાવ અને પોતાની અંદર દબાયેલી ભાવનાઓને કેવી રીતે જીવે તે વિષય વસ્તુની સુંદર રજૂઆત થઈ. આ નાટકનાં દિગ્દર્શક યશ ઉપાધ્યાયે ‘ શ્રેષ્ઠ દિગ્દર્શક’ તરીકે અને ફેનિલ વાદીને શ્રેષ્ઠ અભિનેતા ટાઈકે પરિતોષિક મળ્યું.

જામનગરની સંસ્થા થિયેટર પીપલ દ્વારા નિર્મિત, હેમંત જાંગલી લિખિત અને રોહિત હરિયાણી દ્વારા દિગ્દર્શિત નાટક ‘મીઠાશ’ કે જે મહારાષ્ટ્રનાં શેરડી પકવતા ખેતમજૂરોની વ્યથાઓ અને તેની સાથે આજુબાજુના રાજકારણની સાચી ઘટના પર આધારિત હતું તે રજૂ થયું. જેણે પ્રથમ શ્રેષ્ઠ નાટક તરીકેનો ખિતાબ જીત્યો. સાથે જ નિયતિ રાઠોડને આ નાટક માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પણ પુરસ્કાર મળ્યો.

અંતે જામનગરની જ અન્ય સંસ્થા જવનિકા આર્ટ દ્વારા નિર્મિત, લેખિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા લિખિત અને દેવેન રાઠોડ દ્વારા દિગ્દર્શિત નાટક ‘સ્પર્શ ‘ રજૂ થયું જેમાં એક અપરિપક્વ બાળકનાં જન્મ અને તેની સાથે જોડાયેલ માતૃત્વ અને પિતૃત્વની લાગણીઓને રજૂ કરવામાં આવી. આ નાટક તૃતીય શ્રેષ્ઠ નાટક તરીકે જીત્યું અને મુખ્ય બંને પાત્રોનાં કલાકારો દેવેન રાઠોડ અને બંસી મોદી કોટકને ઉત્તમ અભિનેતાનો ખિતાબ મળ્યો.

આ તમામ રજૂઆતો માં ઉત્તમ મંચ સજ્જા, મેકઅપ, લાઇટ અને સંગીતની આગવી રજૂઆતોએ તમામ દર્શકોને દરેક નાટક બાદ વાહવાહી કરવા માટે મજબૂર કરી દીધા હતા. વર્ષ 2008 પછી પહેલી વાર આવી ઉત્તમ સ્પર્ધાનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું તે બદલ દર્શકો અને કલાકારો સૌએ આ પ્રયાસને બિરદાવ્યો હતો.

નાટકમાં ભાગ લેનાર તમામે તમામ કલાકારોને ભાગ લેવા બદલનાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા જેમાં પણ એક નવી પહેલ કરવામાં આવી. એવા સુજ્ઞ પ્રેક્ષકો કે જેમણે એક ભાવક તરીકે બપોરે 3.30 થી રાત્રે 11.30 સુધી સતત હૉલમાં હાજર રહી તમામ નાટકો માણ્યા અને સતત પ્રોત્સાહન આપ્યું તેવા દર્શકોના હસ્તે આ કલાકારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ત્રણ શ્રેષ્ઠ નાટકો અને એક મૌલિક ગુજરાતી નાટકને પણ ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ ઇનામો આપવામાં આવ્યા જ્યારે વ્યક્તિગત વિજેતાઓને અલગ પ્રમાણપત્ર અને રોકડ પારિતોષિક આપવામાં આવ્યા.

આ નાટ્ય મહોત્સવ સમાન સ્પર્ધા દરમ્યાન દિવગત નાટ્ય કલાકારોનાં પ્રદાનને પણ યાદ કરી શબ્દાંજલી આપવામાં આવી હતી.

સ્પર્ધાને અંતે ત્રણેય નિર્ણયકોએ એકદમ મુદ્દાસર તેમના અવલોકનો દર્શકો સમક્ષ મૂક્યા હતા અને કલાકારોને પણ જરૂરી માર્ગદર્શન આપેલ હતું.

આ સ્પર્ધા દરમ્યાન હેપ્પી યૂથ ફાઉન્ડેશન તરફથી તમામ દર્શકો અને કલાકારોને નિશુલ્ક ચકલીઘર પણ ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા અને સાથે જ ફાઉન્ડર સમીરભાઈ રામી દ્વારા ચકલીઓનાં સંવર્ધન વિશે વાત પણ કરવામાં આવી હતી.

સમગ્ર સ્પર્ધાને અસરકારક બનાવવા માટે જયેશ હવેલીવાળા (અમદાવાદ) અને હરસિદ્ધિ મંડપ ડેકોર, કિરણ ભાઈ રાઠોડ દ્વારા આંબેડકર હૉલમાં ખાસ પડદાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કેપિટલ બેનર્સ દ્વારા ડિઝાઇન અને હોર્ડીંગ, ઓમ સાઈ સાઉન્ડ તરફથી સાઉન્ડ, હરીશ ઉપાધ્યાય (અમદાવાદ) તરફથી લાઇટની સુવિધા તો ગણેશ સખી મંડળની બહેનો દ્વારા કેટરિંગની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનાં આયોજનમાં કિનાર રાણા, શૈલેષ વિશ્વકર્મા, હર્ષ રામાણી અને મૃદંગ રાણાએ સક્રિય ભાગ ભજવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande