ભાવનગરના કાજાવદર પાસે ડમ્પરની ટક્કરથી પિતા-પુત્રીનું કરૂણ મોત, ચાલક ફરાર
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) : સિહોર તાલુકાના કાજાવદર નજીક એક કરૂણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરફાટ ઝડપે દોડી રહેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પિતા અને પુત્રીના મોત નિપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
અકસ્માત

મળતી માહિતી મુજબ, પિતા પોતાની દીકરીને દવાખાનેથી સારવાર કરાવીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કાજાવદર નજીક અચાનક જ ઝડપથી આવી રહેલા ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ તરત જ બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રી બંનેએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુર્ઘટનાએ પરિવારજનો તેમજ ગામલોકોમાં શોકની લાગણી ફેલાવી છે. એક તરફ પિતા પોતાની દીકરીની સારવાર માટે દોડધામ કરી રહ્યા હતા અને બીજી તરફ આ દુર્ઘટનાએ બંનેના જીવ લઈ લીધા, જેને કારણે ઘટનાની કરૂણતા વધુ વધી ગઈ છે.અકસ્માત બાદ ડમ્પરનો ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ડમ્પર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સિહોર પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ અકસ્માતના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ઝડપ નિયંત્રિત રાખવા અપીલ કરી છે જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT

 rajesh pande