

પાટણ, 31 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર તથા મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ત્રણ દિવસીય મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી પૂર્ણિમા સુધી ચાલનારા આ મહોત્સવમાં શતચંડી મહાયજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠા મુખ્ય આકર્ષણ છે.
પ્રથમ દિવસે, 31 માર્ચ 2026 ના રોજ સવારે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી કળશયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી. હાથી પર બિરાજમાન સિકોતર માતાજી, બે રથ અને વાજતે-ગાજતે નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રાત્રે લોકડાયરામાં અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરીએ રજૂઆત કરી હતી.
બીજા દિવસે યજ્ઞશાળામાં પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ જેવી ધાર્મિક વિધિઓ યોજાશે. સાથે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા જગાવશે.
અંતિમ દિવસે, 2 એપ્રિલે બપોરે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થશે અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાશે. ત્યારબાદ મહાઆરતી, રાસગરબા અને 501 દીવાની વિશેષ આરતી સાથે મહોત્સવ પૂર્ણ થશે, જેમાં ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ