
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને નવા દેલવાડા પાસે આઈશર ગાડીએ અડફેટે લેતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.
મળતી માહિતી મુજબ, અંદાજે 60 જેટલા પદયાત્રીઓનો સંઘ રવિવારે ધનાવાડાથી શંખલપુર અને બહુચરાજી તરફ નીકળ્યો હતો. સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે સંઘ નવા દેલવાડા પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ઝડપથી આવી રહેલી આઈશર ગાડી બેફામ બની પદયાત્રીઓમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સંઘ સાથેનો રથ પણ દૂર સુધી ફંગોળાઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં ઠાકોર દલપતજી અને ઠાકોર લાલાજીભાઈ નાગજીભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR