
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : ઊંઝા શહેરમાં પરમાત્મા મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે આજે સમસ્ત ઊંઝા જૈન સંઘ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ થાણાની નિશ્રામાં યોજાયેલ આ રથયાત્રા ભક્તિમય માહોલમાં નીકળી હતી.
રથયાત્રાને ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને મહાનુભાવોને ગુરુભગવંતોએ આશીર્વાદ આપતાં જિનશાસનના વિકાસ અને લોકોપયોગી કાર્યો કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઊંઝા જૈન મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું.
આ ભવ્ય રથયાત્રામાં જૈન સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધાર્મિક ઉમંગ સાથે ભાગ લીધો હતો. યુવાનો દ્વારા પરમાત્માની પાલખી લગભગ 2 કિલોમીટર સુધી ફેરવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. અંતે રથયાત્રા મહાવીર સ્વામી જિનાલય ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR