
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચારોલ ગામની પ્રાથમિક શાળા ખાતે આજે એક સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) કાર્યક્રમ યોજાયો હતો. કડી-દેત્રોજ રોડ પર સાદરા નજીક આવેલા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્થિત હાઈટીયન મશીનરી ઇન્ડિયા લિમિટેડ દ્વારા કડી ગ્રામ્ય વિસ્તારની ચારોલ સહિત 21 પ્રાથમિક શાળાઓને કુલ ₹50.50 લાખના આધુનિક શૈક્ષણિક સાધનોની ભેટ આપવામાં આવી હતી.
ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં ભૌતિક સુવિધાઓ મજબૂત બનાવવા હેતુસર કંપનીએ આ સહાય પૂરી પાડી હતી. આ અંતર્ગત સ્માર્ટબોર્ડ, લેપટોપ અને પ્રિન્ટર જેવી આધુનિક ઉપકરણો આપવામાં આવ્યા હતા. ઉપરાંત, વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને આર.ઓ. પ્લાન્ટ, વોટર કુલર, પેડેસ્ટલ ફેન અને સીલિંગ ફેન પણ શાળાઓને આપવામાં આવ્યા હતા.
આ સેવાકાર્યની ગ્રામજનો અને શિક્ષણવિદો દ્વારા વ્યાપક પ્રશંસા કરવામાં આવી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા ચારોલ પ્રાથમિક શાળાના આચાર્ય સિદ્ધરાજસિંહ અને શિક્ષક રાજેશ ગજ્જર દ્વારા સઘન પ્રયત્નો કરાયા હતા. કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર અને કર્મચારીઓ સાથે જિલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન, મુકેશ પટેલ, દશરથ શાહ, ડો. સુરેશ અને ટ્રસ્ટી મયંક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR