
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : ઊંઝા શહેરના ઐઠોર વાલમિયા પરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં 95 ફૂટ ઊંડા કૂવામાં ગાયનું વાછરડું પડી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર ઓફિસર વ્રજ પટેલ, મન ધોબી અને કૃપલ પટેલ સહિતની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. 95 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતા કૂવામાં ઉતરીને વાછરડાને સલામત રીતે બહાર કાઢવું પડકારજનક કાર્ય હતું, છતાં ટીમે બહાદુરી અને તકેદારી સાથે કામગીરી કરી હતી.
રેસ્ક્યુ દરમિયાન તમામ સુરક્ષા પગલાંઓનું પાલન કરવામાં આવ્યું હતું, જેના કારણે વાછરડાને કોઈ ગંભીર ઇજા વગર બચાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાથી પશુપ્રેમીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
સમયસર પહોંચીને જીવદયા દાખવવા બદલ ગ્રામજનોએ ઊંઝા ફાયર ટીમના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ફાયર ટીમની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR