
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા પોલીસ દ્વારા મગરોડા ગામની સીમમાંથી થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશું સોલંકી તથા ડી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.
મળતી માહિતી મુજબ, મગરોડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં સુકવવા મૂકેલા આશરે 80 મણ એરંડા, જેની કિંમત લગભગ રૂ. 96,000 થાય છે, અજાણ્યા ઇસમો દ્વારા ટ્રેક્ટર મારફતે ચોરી કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસનગર તાલુકા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે રાલીસણા ગામ નજીક વોચ ગોઠવી સોનાલિકા ટ્રેક્ટર સાથે આરોપી અશોકસિંહ છગુજી રાજપુતને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ કર્યો હતો અને પોતાના સાથી દશરથજી ઉર્ફે લાલો ઠાકોરની સંડોવણી પણ સામે આવી હતી, જે હાલ ફરાર છે.
પોલીસે ટ્રેક્ટર, ટ્રોલી અને અંદાજે 70 મણ એરંડા સહિત કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR