


પાટણ, 31 માર્ચ (હિ.સ.) : રાણકી વાવ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ 3D પ્રોજેક્શન મેપિંગ અને લાઈટ-સાઉન્ડ શોનું ઇ-લોકાર્પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. આ 24 મિનિટની ફિલ્મમાં રાણકી વાવનો અજાણ્યો ઈતિહાસ અને તેની ગાથા રજૂ કરવામાં આવી છે.
આ આધુનિક શોમાં રાણકી વાવ ઉપરાંત સોમનાથ, મોઢેરા, કીર્તિ સ્તંભ, યુનેસ્કો વારસો, પાલિતાણા મંદિર, પાટણના પટોળા અને દોરી ગરબા જેવી વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક આકર્ષણો દર્શાવવામાં આવશે, જે પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે.
આ પ્રોજેક્ટથી પાટણમાં પ્રવાસનને નવી દિશા મળશે. દર વર્ષે 3.5 થી 4 લાખ પ્રવાસીઓ આવતા રાણકી વાવમાં હવે રાત્રિ શો દ્વારા વધુ લોકો આકર્ષાશે. રાણી ઉદયમતિની પ્રેરણાદાયી ગાથા અને પ્રાચીન જળ વ્યવસ્થાપનને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત બનાવવામાં આવ્યા છે.
આ શો માટે 10 આધુનિક લેસર પ્રોજેક્ટર, હેરિટેજ લાઈટિંગ અને બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. દરરોજ બે શો યોજાશે અને રાત્રિના સમયમાં વધતા પ્રવાસનથી સ્થાનિક વેપારીઓને રોજગારીની નવી તકો મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ