
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના શ્રી વર્ધમાન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ અદ્ભુત સિદ્ધિ મેળવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય આરવ કે. પટેલ, 16 વર્ષીય દર્શ વી. દરજી અને લક્ષ્ય એમ. ચોરસિયાએ મળીને AI આધારિત હ્યુમનોઈડ રોબોટ તૈયાર કર્યો છે, જેને ‘ગુજરાતનો ચિટ્ટી’ તરીકે ઓળખ આપવામાં આવી છે.
આરવે જણાવ્યું કે પિતાથી હાર્ડવેર કોડિંગ શીખીને તેણે રોબોટ પર કામ શરૂ કર્યું. આ રોબોટની ખાસિયત એ છે કે તે એક લાઇન પર પોતાના પગે ચાલી શકે છે, ઢાળ પર ચડી શકે છે અને રસ્તામાં અવરોધ આવે તો અટકી જાય છે. લક્ષ્ય ચોરસિયાએ સોફ્ટવેર અને કેમેરા સંબંધિત કામ સંભાળ્યું હતું.
દર્શ દરજીએ જણાવ્યું કે બોર્ડની પરીક્ષાની તૈયારી વચ્ચે પણ તેણે સમયનું સંચાલન કરી પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિદ્યાર્થીઓ રોજ 12થી 16 કલાક મહેનત કરતા હતા અને છેલ્લા ત્રણથી વધુ મહિનાથી આ પ્રોજેક્ટ પર કાર્યરત રહ્યા હતા.
આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં 25,000 અને POC તબક્કે 1,00,000ની ગ્રાન્ટ મળીને અંદાજે 90,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. 21થી 23 માર્ચ દરમિયાન યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં રાજ્યભરની ટીમોને પછાડી આ ટીમે વિજેતાનો ખિતાબ જીત્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR