
અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : ખિજડીયા થી અમરેલી શહેર સુધી બ્રોડગેજ રેલવે લાઈન શરૂ થાય તે માટે વર્ષોથી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. હવે આ દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી રહી છે. અમરેલી-ખિજડીયા વચ્ચે તૈયાર કરાયેલ નવી બ્રોડગેજ રેલવે લાઈન પર આજે રેલવે વિભાગ દ્વારા એન્જિન દોડાવી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેને સ્થાનિક લોકો માટે એક સારા સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેકની મજબૂતી, સલામતી અને તકનીકી બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રાયલ સફળ રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં આ રૂટ પર નિયમિત ટ્રેન સેવા શરૂ થવાની આશા વધુ મજબૂત બની છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમરેલી શહેરને સીધી રેલવે કનેક્ટિવિટી મળશે, જેનાથી મુસાફરોને સરળતા મળશે અને વેપાર-ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. ખાસ કરીને ખેડૂતો અને વેપારીઓ માટે માલવહન સુવિધા વધુ સુલભ બનશે.
સ્થાનિક લોકોમાં આ સફળ ટ્રાયલને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ રૂટ પર નિયમિત ટ્રેન સેવા શરૂ થાય અને તેમની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai