
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) હાલ જોઈએ તો મહિલાઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને આત્મ નિર્ભર બની રહ્યા છે.ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મહિલાઓ સખી મંડળ અને સ્વ સહાય જૂથો સાથે જોડાઈને નાના-મોટા વ્યવસાય શરૂ કરી રહી છે.આ જૂથો દ્વારા મહિલાઓને ઓછા વ્યાજે લોન મળે છે, જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. ઘણી મહિલાઓ ઘરેથી જ પાપડ, અથાણા, મસાલા, હેન્ડીક્રાફ્ટ, સીલાઈ વગેરેનો વ્યવસાય કરતા હોય છે.સરકાર દ્વારા પણ મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તાલીમ કાર્યક્રમો, માર્કેટિંગ સહાય અને નાણાકીય સહાય દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે વધુ ને વધુ મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.
ભાવનગર જિલ્લામાં રહેતા જલ્પા રાજ્યગુરુ આજના સમયમાં મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. ઘરકામની સાથે સાથે તેઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.જલ્પાબેન રાજ્યગુરુ વિવિધ પ્રકારની ડેકોરેશન સામગ્રી તૈયાર કરે છે, જેમાં ખાસ કરીને પરંપરાગત અને આધુનિક બંને પ્રકારની છાપ ડિઝાઇનનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગ, જન્મદિવસ, સગાઈ, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય સામાજિક પ્રસંગો માટે તેઓ સુંદર અને આકર્ષક ડેકોરેશન વસ્તુઓ બનાવે છે. તેમના બનાવેલા સામાનમાં મંડપ સજાવટ, ફૂલોથી બનેલા ડેકોરેશન, રંગબેરંગી કપડાંની સજાવટ, તેમજ થીમ આધારિત સેટઅપનો સમાવેશ થાય છે.
આ અંગે જલ્પા રાજ્યગુરુએ જણાવ્યું કે હું અગાઉ ઘરકામ જ કરતી હતી પરંતુ મને વિચાર આવ્યો કે ઘરકામની સાથે સાથે અન્ય વ્યવસાય પણ શરૂ કરવો જોઈએ જેથી મેં જોયું તો અનેક મહિલાઓ સખીમંડળ અને સ્વ સહાય જૂથની બહેનોની સાથે જોડાઈને પોતાનો નાનો મોટો વ્યવસાય કરતા હોય છે અને જેના થકી સારી એવી આવક મેળવી આત્મ નિર્ભર બની પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. જેથી હું પણ સખી મંડળની બહેનો સાથે જોડાય અને હાલ હું છાપ ડેકોરેશન જેનો અલગ અલગ પ્રસંગોમાં સુશોભન માટે ઉપયોગ થતો હોય છે તે તૈયાર કરું છું.
તેની સાથે સાથે હસ્તકલા નો ઉપયોગ કરીને તોરણ જેવી વસ્તુઓ પણ તૈયાર કરું છું.છાપ ડેકોરેશનમાં વપરાતી અલગ અલગ વસ્તુઓ જેને ભાડે આપું છું અને જેની કિંમત 200 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની રહેલી છે. આ ઉપરાંત તોરણ વગેરે વસ્તુઓ પણ તૈયાર કરું છું અને આસપાસના અનેક વિસ્તારમાં આપ તમામ વસ્તુઓનું વેચાણ મારે થઈ રહ્યું છે જેના થકી હું મહિને 10,000 રૂપિયા કરતા પણ વધુ ની આવક મેળવી શકું છું.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT