
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) : મુસાફરોની સુવિધા, સુરક્ષા અને વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ ફરી એક વખત ઉત્તમ ફરજ નિષ્ઠા અને ઈમાનદારીનું પ્રદર્શન કર્યું છે. તા. 31/03/2026 (મંગળવાર) ની સવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર ટ્રેન નંબર 59204 ભાવનગર–બોટાદ દૈનિક પેસેન્જરના એક મુસાફર પ્રેમજીભાઈ વાણિયા, નિવાસી સોનગઢ, પોતાનો કિંમતી મોબાઇલ ફોન અનારક્ષિત ટિકિટ વિન્ડો પર અજાણતા ભૂલી ગયા હતા.
ડ્યુટી પર તૈનાત ટિકિટ બુકિંગ ક્લાર્ક વિક્રમસિંહ મકવાણા અને રણજીતસિંહ ચૌહાણે સતર્કતા દાખવીને મોબાઇલને સુરક્ષિત રીતે પોતાના પાસે રાખ્યો અને તરત જ જાહેરાત (એનાઉન્સમેન્ટ) કરાવી સંબંધિત મુસાફરને બોલાવ્યો. મુસાફરની ઓળખ ખાતરી કર્યા બાદ મોબાઇલ તેમને સલામત રીતે પરત સોંપવામાં આવ્યો.
પોતાનો ગુમ થયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત મળતા મુસાફરે રેલવે પ્રશાસન અને સંબંધિત રેલકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા દસ દિવસમાં આ બીજો પ્રસંગ છે, જ્યારે વિક્રમસિંહ મકવાણાએ આ પ્રકારની ઈમાનદારી અને ફરજ નિષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સંબંધિત વાણિજ્ય વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરતા તેમને ભવિષ્યમાં પણ આવું જ ઉત્તમ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ