
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિસનગર ખાતે નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે, જે પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
વિસનગરના કાંસા ચાર રસ્તા પાસે આવેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન AAPના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ કાર્યાલય માત્ર વિસનગર પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ આસપાસની તમામ વિધાનસભા બેઠકોના કાર્યોના સંચાલન માટે ‘વોર રૂમ’ તરીકે કાર્ય કરશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને વિસનગર વિધાનસભા સહપ્રભારી નરેન્દ્ર પ્રજાપતિ, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર, મહેસાણા જિલ્લા AAP પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સાગરભાઈએ વધુમાં જણાવ્યું કે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. શિક્ષણ, સલામતી અને સમૃદ્ધિ જેવા મુખ્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પાર્ટી ચૂંટણી લડશે અને સ્થાનિક સ્તરે સુશાસન આપવા માટે પ્રતિબદ્ધ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR