જામનગરમાં સમી સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
જામનગર, 31 માર્ચ (હિ.સ.) : જામનગરમાં લાખોટા મિગ કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે પવનના કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક મૂળમાંથી ઉખડીને ધરાશાઇ થયું હતું, આ વેળાએ ત્યાંથી પસાર થતી એક કાર અને સ્કૂટર ઝાડ નીચે દબાયા હતા, અને કારમાં બેઠેલી બે વ્યક્
વૃક્ષ ધરાશયી


જામનગર, 31 માર્ચ (હિ.સ.) :

જામનગરમાં લાખોટા મિગ કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે પવનના કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક મૂળમાંથી ઉખડીને ધરાશાઇ થયું હતું, આ વેળાએ ત્યાંથી પસાર થતી એક કાર અને સ્કૂટર ઝાડ નીચે દબાયા હતા, અને કારમાં બેઠેલી બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. ફાયરની ટીમે ઝાડની ડાળીઓને દૂર કરી વાહનો બહાર કઢાવ્યા હતા, તેમજ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

જામનગર શહેરના મિગ કોલોની વિસ્તાર ખાતે ગઈકાલે મોડી સાંજના સમયે અચાનક એક મોટું ઝાડ ધરાશાઇ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઝાડ નીચેથી પસાર થઈ રહેલી જીજે 10 સીએન 5618 નંબરની કાર તેમજ જીજે 10 ડી. એલ. 1521 નંબરનું સ્કૂટર ઝાડ નીચે દબાયા હતા.

જે કારની અંદર બેઠેલી ચાર વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી, અને તેઓને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

દરમ્યાન ફાયર બ્રિગેડની ટિમને જાણ કરાતા ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત દોરડા વગેરેની મદદ લઈને ઝાડની ડાળીઓને દૂર કરી હતી, અને તેમાંથી બંને વાહનોને એકાદ કલાકથી જહેમત બાદ બહાર કાઢી લીધા હતા, જયારે માર્ગ પર પડેલી ઝાડની ડાળીઓ વગેરે દૂર કરી લેતાં આખરે મિગકોલોની તરફનો વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો. આ ઘટનાની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડતો થયો છે, અને વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande