
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) : ભાવનગર ખાતે આવેલ રીજનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ માટે સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), AI એથિક્સ, સોશિયલ મીડિયા નો સુરક્ષિત ઉપયોગ તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ની કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપતો એક માહિતીસભર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ડિજિટલ જાગૃતિ લાવવાનો અને સાયબર જોખમોથી બચવા માટે જરૂરી જ્ઞાન આપવાનો રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ સાયબર સિક્યુરિટી વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન ઠગાઈ, ફિશિંગ, ડેટા ચોરી જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. સાથે જ, AI ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે જોડાયેલા ફાયદા અને જોખમો અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.AI એથિક્સના વિષય પર ચર્ચા કરવામાં આવી જવાબદારીપૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપતા તેમણે વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખવા, મજબૂત પાસવર્ડ બનાવવાના અને અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવાની સલાહ આપી હતી.
સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 અંગે માહિતી આપતા જણાવ્યું કે કોઈપણ પ્રકારની ઓનલાઇન ઠગાઈ કે છેતરપિંડીના કેસમાં તરત જ આ નંબર પર સંપર્ક કરવાથી સમયસર સહાય મળી શકે છે અને નુકસાન અટકાવી શકાય છે.આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધવા સાથે ટેક્નોલોજીના જવાબદારીપૂર્ણ ઉપયોગ અંગે સમજણ મજબૂત બની હોવાનું પ્રતિભાવ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT