રંગોના પર્વ ધૂળેટીની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ નાગરિકોને રંગોના ઉત્સવ ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ નાગરિકોને ધુળેટીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા સામાજિક સમરસતા અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપ્
ફાઈલ ફોટો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ નાગરિકોને રંગોના ઉત્સવ ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ નાગરિકોને ધુળેટીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા સામાજિક સમરસતા અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપ્યો છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, હોળીનો ઉત્સવ આપણી ગૌરવશાળી સંસ્કૃતિમાં પરસ્પર પ્રેમ, સદ્ભાવના અને એકતાનું પ્રતીક છે.

રાજ્યપાલએ કહ્યું કે, જે રીતે અલગ-અલગ રંગો એકસાથે મળીને એક સુંદર ચિત્ર બનાવે છે, તેવી જ રીતે આપણે સૌએ જ્ઞાતિ-જાતિ કે અન્ય ભેદભાવો ભૂલીને એકાત્મતાના રંગે રંગાવું જોઈએ. સામાજિક સમરસતા દ્વારા જ આપણે એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.

આ પાવન અવસરે રાજ્યપાલએ જનતાને વિશેષ સંકલ્પ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વસ્થ ભારત'ના વિઝનને સાકાર કરવા માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. આપણી ધરતી માતાને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોથી મુક્ત કરવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. જો આપણે આજે પ્રાકૃતિક કૃષિ અપનાવીશું, તો જ આપણે આવનારી પેઢીને શુદ્ધ આહાર, સ્વચ્છ જળ અને નિરોગી જીવનની ભેટ આપી શકીશું.

રાજ્યપાલએ પર્યાવરણની જાળવણી માટે કેમિકલયુક્ત રંગોનો ત્યાગ કરવા અને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, જળ અને જમીનનું પ્રદૂષણ અટકાવવું એ આપણી નૈતિક જવાબદારી છે. આ સાથે જ તેમણે આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અને 'સ્વચ્છતા એ જ સેવા' ના મંત્રને અનુસરવા આહવાન કર્યું છે.

રાજ્યપાલએ ધુળેટીનો આ મહાપર્વ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને નવી સકારાત્મક ઉર્જા લઈને આવે તેવી કામના કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande