
વલસાડ, 04 માર્ચ (હિ.સ.) : વલસાડ તાલુકાના ધમડાચી ગ્રામ પંચાયત સામે આવેલી ખુલ્લી જમીનમાં મંગળવારે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિસ્તારમાં પસાર થતી વીજ લાઇનમાંથી પડેલા તણખલાએ સૂકા ઘાસમાં આગ પકડી લેતાં થોડા જ સમયમાં આગ ફેલાઈ ગઈ હતી.
આગ ઝડપથી વિસ્તારની ખુલ્લી જમીનમાં પ્રસરી જતાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. નજીકના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમાં પણ થોડી ગભરાટની સ્થિતિ સર્જાઈ હતી અને આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.
સ્થાનિક લોકોએ તરત જ વીજ કંપનીને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવવા માંગ કરી હતી. સાથે જ વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી.
ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી થોડા સમયની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે સૂકા ઘાસ અને ઝાડ-ઝાંખરાને નુકસાન થયું છે. સ્થાનિકોએ ઉનાળામાં વીજ લાઇનની નિયમિત તપાસ અને જાળવણી કરવાની માંગ પણ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે