
ગીર સોમનાથ, 4 માર્ચ (હિ.સ.) : ગુજરાતના સામાજિક ઇતિહાસમાં સુત્રાપાડાના કારડીયા રાજપૂત સમાજે એક નવો અને પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. સમસ્ત કારડીયા રાજપૂત સમાજ અને કારડીયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય 'સમૂહ વાડ' (હોળી દર્શન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુરિવાજો નાબૂદ કરી આર્થિક બચત અને શિક્ષણના મૂલ્યોને પ્રાધાન્ય આપવાના ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. સામાન્ય રીતે, પરિવારમાં પ્રથમ દીકરા કે દીકરીના જન્મ પછી હોળી દર્શન (વાડ) વખતે વ્યક્તિગત રીતે થતા લાખોના ખર્ચ અને ડી.જે.ના ઘોંઘાટને તિલાંજલિ આપી આ વર્ષે ૨૦ દીકરા અને ૨૦ દીકરીબા (કુલ ૪૦ બાળકો) ના હોળી દર્શન સમગ્ર સમાજ દ્વારા એક જ સ્થળે સમૂહમાં કરવામાં આવ્યા હતા.
'બેટી બચાવો, બેટી પઢાવો'ના સંદેશ સાથે ૨૦ દીકરીઓના ભવિષ્ય માટે સમાજ દ્વારા 'સુકન્યા ખાતા' ખોલી આપી પ્રત્યેક ખાતામાં ₹૧,૦૦૦ જમા કરાયા હતા. ડી.જે. પર પ્રતિબંધ: પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને ધ્વનિ પ્રદૂષણ રોકવા ડી.જે. વગાડવાનું સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું.
આયોજન દરમિયાન જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, ઉત્સવોમાં વેડફાતા નાણાં જો બચાવવામાં આવે, તો તે સમાજના તેજસ્વી સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી થઈ શકે છે. તમામ ૪૦ પરિવારોના સ્વજનો અને ગ્રામજનોએ એક જ પંગતે બેસીને સમૂહ ભોજન લીધું હતું, જેનાથી એકતાનો સંદેશ પ્રસરાયો હતો. આ કાર્યક્રમમાં સુત્રાપાડા ના કારડીયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ ના યુવા કર્મચારીઑ , અગ્રણીઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાનોએ આ દૂરંદેશી વિચારધારાને બિરદાવી આગામી સમયમાં અન્ય પ્રસંગોમાં પણ સાદગી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ