
ગીર સોમનાથ 04 માર્ચ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કેવિકે, કોડીનાર ખાતે ૩ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ પૂર્ણ થઈ. તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા.
આત્મા પ્રોજેકટ, ગીર સોમનાથના કલ્પેશ પરમાર મધમાખીના મહત્વ અને આત્મા પ્રોજેકટની ખેડૂતો માટેની ખેતીલક્ષી માહિતી આપી હતી.ત્યારબાદ ટેક્નીકલ સેશનની શરૂઆતમાં શ્રી રમેશ રાઠોડ એ મધમાખી પાલનની આદર્શ વેજ્ઞાનિક પધ્ધતિ, જુદી-જુદી ઋતુઓ દરમિયાન મધમાખી પાલનમાં રાખવાની થતી કાળજી વિશે સવિસ્તૃત માહિતી આપી હતી અને સાથે-સાથે તેમના ફીલ્ડ લેવલના અનુભવો પણ વર્ણવ્યા હતા.
તાલીમના બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના સફળ મધમાખી પાલક જેઠાભાઇ રામના ચમોડા ગામ ખાતેના ફાર્મ ઉપર પ્રેકટીકલ કરાવવામાં આવ્યો હતો અને તેમણે ઉપસ્થિત સર્વે સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. હતા. તાલીમના અંતે સર્વે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમમાં ૩૭ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ