
ગીર સોમનાથ 4 માર્ચ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા સંગઠનને વધુ વેગવંતું બનાવવા માટે વિવિધ જિલ્લા અને મહાનગરના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના લોકપ્રિય યુવા નેતા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ બારડની જામનગર જિલ્લાના પ્રભારી તરીકે તેમજ હિંમતભાઈ પરસાણાની છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પરિવાર અને કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
દિલીપ બારડ નાની ઉંમરથી જ જનસેવા અને સંગઠન ક્ષેત્રે પક્કડ નાની ઉંમરથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમની રાજકીય સફર સંઘર્ષ અને સફળતાથી ભરેલી રહી છે: માત્ર 19 વર્ષની વયે સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ બનીને તેમણે ઇતિહાસ સર્જ્યો હતો વહીવટી અનુભવ: તેઓ સતત બે ટર્મ સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ, સુત્રાપાડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સુત્રાપાડા એ.પી.એમ.સી.ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
ચૂંટણી વ્યૂહરચના: 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ગીર સોમનાથ જિલ્લાના કાર્યકારી પ્રમુખ હતા. ખાસ કરીને સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે તેમની કુશળતાને કારણે ભાજપે 24માંથી 24 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું હતું. પક્ષ દ્વારા તેમને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પ્રવાસી કાર્યકર્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં તેમણે સંગઠન મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જિલ્લા ભાજપમાં સતત બે ટર્મ મહામંત્રી તરીકે સફળ કામગીરી કરી હાલ તેઓ પ્રદેશ કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે.
ખેડૂતો અને યુવાનોમાં લોકપ્રિય એવા દિલીપભાઈ બારડ અને અનુભવી નેતા હિંમતભાઈ પરસાણાની પ્રભારી તરીકેની આ નિમણૂકથી જામનગર અને છોટાઉદેપુર જિલ્લામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત અને ગતિશીલ બનશે તેવો વિશ્વાસ કાર્યકરોએ વ્યક્ત કર્યો છે. આ નિમણૂક બદલ ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો અને કાર્યકરોએ બંને નેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ