
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત વિવિધ સ્કિમોમાં મહત્તમ લાભાર્થીઓ સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે તેવા ઉમદા હેતુથી શહેરના વિવિધ વિસ્તારોમાં સતત કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે સેક્ટર-૧૩ સ્થિત શ્રી જ્ઞાનગંગા હોસ્ટેલ ખાતે બે દિવસીય રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો, જેમાં અંદાજીત ૫૦૦ જેટલા અરજદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની નોંધણી કરાવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ ને વધુ વેગવંતુ બનાવવા અને સ્થાનિકોને પ્રોત્સાહિત કરવા માટે આ કેમ્પમાં ગાંધીનગરના માનનીય મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નં. ૬ ના કાઉન્સીલરઓ ભાવનાબા ગોલ, પ્રેમલતાબેન મહેરીયા તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પની મુલાકાત લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહાનગરપાલિકાના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે શહેરનો કોઈપણ પાત્રતા ધરાવતો મધ્યમ કે ગરીબ વર્ગનો પરિવાર આવાસ સહાયથી વંચિત ન રહી જાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ