પાટણના રાજપુરમાં ધુળેટીએ પરંપરાગત હાથિયાની ભવ્ય પ્રદક્ષિણા
પાટણ, 04 માર્ચ (હિ.સ.) : પાટણના રાજપુર ગામમાં ધુળેટી પર્વ નિમિત્તે પરંપરાગત ‘હાથિયા’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આશરે 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો અને હરિજનો સહિતના સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. 460 વર્ષ પહેલાં સ્થા
રાજપુરમાં ધુળેટીએ પરંપરાગત હાથિયાની ભવ્ય પ્રદક્ષિણા


પાટણ, 04 માર્ચ (હિ.સ.) : પાટણના રાજપુર ગામમાં ધુળેટી પર્વ નિમિત્તે પરંપરાગત ‘હાથિયા’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આશરે 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં લેઉવા પાટીદારો, ઠાકોરો અને હરિજનો સહિતના સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. 460 વર્ષ પહેલાં સ્થાપિત બ્રહ્માણી માતાના મંદિરમાંથી દર વર્ષે ધુળેટીએ હાથિયો નીકળે છે અને સમગ્ર ગામ પ્રદક્ષિણા કરે છે.

ધુળેટીના દિવસે સવારે બહુચરમાતા મંદિરમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 3 વાગ્યે ગામલોકો લોકમેળાવડામાં ઉમટી પડ્યા બાદ બ્રહ્માણી માતાજીનો હાથિયો નીકળ્યો હતો. ગામની પ્રદક્ષિણા દરમિયાન મહિલાઓએ વધામણા કર્યા હતા અને મોઢેરાના નાયક બંધુઓએ ચાચર ચોકમાં ભૂંગળ વગાડી ધાર્મિક માહોલ સર્જ્યો હતો.

પરંપરાગત રીતે હાથિયો બળદની ચાર જોડથી ગાડામાં નીકળતો હતો અને બાળકોને બેસાડી પ્રદક્ષિણા કરાવવામાં આવતી હતી. પરંતુ બળદોની ઘટતી સંખ્યાને કારણે છેલ્લા 15 વર્ષથી શણગારેલા ટ્રેક્ટર-ટ્રોલીમાં હાથિયો કાઢવામાં આવે છે. આ વર્ષે પણ કાષ્ટથી સજાવટ કરાયેલા ટ્રેક્ટરો સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande