ગુરુકુલ સંસ્કૃતિ એ જ ભારતનો પ્રાણ: રાજ્યપાલના હસ્તે શાંતિગ્રામ ગુરુકુલમાં ભૂમિપૂજન સંપન્ન
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ (દાંતલી) ખાતે 3 માર્ચે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહી ભૂમિપૂજન વિધિમાં પણ સહભાગી બન્યા હતા. આ અવસરે રાજ્યપાલએ ગુરુકુલના અત્યાધુનિક ડિજિટલ પુસ્તકાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ (દાંતલી)


શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ (દાંતલી)


ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ (દાંતલી) ખાતે 3 માર્ચે આયોજિત વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહી ભૂમિપૂજન વિધિમાં પણ સહભાગી બન્યા હતા.

આ અવસરે રાજ્યપાલએ ગુરુકુલના અત્યાધુનિક ડિજિટલ પુસ્તકાલય અને સ્માર્ટ ક્લાસરૂમનું નિરીક્ષણ કરી શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના સમન્વયને રૂબરૂ નિહાળ્યું હતું. રાજ્યપાલના હસ્તે સહજાનંદમ ભવનનું ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવ્યું હતું.

કૃષિના ઋષિ તેમજ ગાય અને ગુરુકુળના વાહક એવા રાજ્યપાલએ આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જે ગુરુકુળ સંસ્કૃતિ છે તે સંતો અને દાનવીરો દ્વારા જ જીવિત છે. વર્તમાન સમયમાં શિક્ષણના નામ પર આપણે બાળકોને માત્ર અક્ષરજ્ઞાન અથવા ઉપરછલ્લી જાણકારી આપી રહ્યા છીએ. જે રીતે માનવ નિર્માણ થવું જોઈએ અને જે રીતે બાળકોમાં સંસ્કારનું સિંચન થવું જોઈએ, તેનો હાલમાં અભાવ જોવા મળી રહ્યો છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, દેશમાં શિક્ષણનું માધ્યમ આદિકાળથી ગુરુકુળ જ રહ્યું છે. બાળક માટે પ્રથમ કુળ તેના માતા-પિતા છે અને જ્યારે તે પાંચ-છ વર્ષનું થાય ત્યારે તેને ગુરુકુળમાં મૂકવામાં આવે છે. આ દેશમાં પ્રાચીન રાજકીય વ્યવસ્થા પણ એવી જ હતી કે બાળક છ વર્ષ પછી માતા-પિતા સાથે ન રહેતા ગુરુકુળમાં જ રહે. જે દેશમાં આવી વ્યવસ્થા હોય અને નાનપણથી જ બાળકને સંસ્કૃતિ તથા સભ્યતાનું જ્ઞાન આપવા ગુરુકુળમાં મૂકવામાં આવતું હોય, ત્યાં કોઈ વ્યક્તિ નિરક્ષર રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, માતા બાળકના શરીરને જન્મ આપે છે, જ્યારે ગુરુ માતાએ બનાવેલા એ શરીરને સંસ્કાર અને જ્ઞાનથી 'માનવ' બનાવવાનું કાર્ય કરે છે.

સભ્યતા અને સંસ્કારનો ભેદ સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભૌતિક વિકાસ એ સભ્યતાનો સૂચક છે. ભારતે આ બાબતે ક્યારેય વિરોધ કર્યો નથી. સભ્યતા એ માત્ર બાહ્ય દેખાવ છે, જ્યારે સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે.

શરીરમાં પ્રાણ અને સંસારમાં પરમાત્મા એ જ સત્ય છે. શરીર વગર આત્મા રહી શકે છે, પરંતુ આત્મા વગર શરીર ક્યારેય રહી શકતું નથી. તે જ રીતે પરમાત્મા વિશ્વ વગર રહી શકે છે, પણ વિશ્વ પરમાત્મા વગર ક્યારેય નહીં. આ બાબત સમજાવી રાજ્યપાલશ્રીએ બંને વસ્તુઓ આવશ્યક હોવા છતાં સંસ્કૃતિ પર વધુ ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, સંસારમાં જે દેખાય છે તે સત્ય છે, પણ જે નથી દેખાતું તે જ ખરેખર પરમસત્ય છે. ઋષિઓ દ્વારા સંસ્કૃતિ અને સભ્યતાનું આ જ તત્વજ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. ગુરુકુળમાં આધ્યાત્મિક, ભૌતિક, સભ્યતા અને સંસ્કૃતિનું શિક્ષણ અપાતું હતું. આજે આ શિક્ષણના અભાવનો પ્રભાવ આપણે દુનિયાના વિનાશ રૂપે જોઈ રહ્યા છીએ.

ગુરુકુળમાં બાળક તપસ્વી બની ગુરુના ચરણોમાં આ જ્ઞાન મેળવતું હતું. ધ્યાન, કૃપા, સંતુષ્ટિ, સહિષ્ણુતા, પ્રેમ અને ઉદારતા સાથે દુનિયાને સુખી કરવાની ભાવના એ જ ભારતના ગુરુકુળોનો ઉદ્દેશ્ય છે.

રાજ્યપાલએ કહ્યું કે, પોતાના માટે જીવવાના બદલે માનવતા માટે જીવવાનું જેમણે લક્ષ્ય બનાવ્યું છે, તેવા સંતો જ આ દેશની સાચી પૂંજી અને આધારસ્તંભ છે. દુનિયામાં દાનનું ખૂબ મહત્વ છે, પરંતુ વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે; કારણ કે જ્યારે એક બાળક શિક્ષણ મેળવી સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે. આ તમામ મૂલ્યો આવનારી પેઢી સંતોના ચરણોમાં બેસીને ગુરુકુળના માધ્યમથી શીખશે.

વ્યક્તિએ કર્મયોગી બની દુનિયામાં સુખ, સમૃદ્ધિ અને સરળતા ઉપરાંત આધ્યાત્મ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. માત્ર સાત બાળકોથી શરૂ થયેલી એક ગુરુકુળની શાખા આજે ૭૦ જેટલી સંસ્થાઓમાં પરિવર્તિત થઈ છે, જે વિશ્વભરના બાળકોમાં જ્ઞાન પ્રસરાવી વિશ્વકલ્યાણની ભાવના સાથે કાર્ય કરી રહી છે.

જે લોકો કલ્યાણના માર્ગે ચાલી માનવતાવાદી બન્યા છે, તેઓને જ આજે વિશ્વ યાદ રાખે છે. આ તમામ ગુણો ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે, તેમ જણાવી રાજ્યપાલએ સંતો તથા દાનવીરોને અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

આ શુભ અવસરે ઉપસ્થિત સંતો, દાતાઓ અને હરિભક્તોને પ્રણામ કરતા રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આ ભવનનું નિર્માણ એ આપણી સંસ્કૃતિના જતનનું એક પવિત્ર યજ્ઞકાર્ય છે. આવા યજ્ઞો સતત પ્રજ્વલિત રહે છે, જેના પરિણામે આપણી સંસ્કૃતિ આજે વિશ્વભરમાં ઝળહળી રહી છે. ઇતિહાસમાં આપણી સંસ્કૃતિ પર અનેક આક્રમણો થયા હોવા છતાં, આવા સેવા-યજ્ઞોને કારણે જ તેને કોઈ નષ્ટ કરી શક્યું નથી.

ગુજરાતના ગુરુકુળોમાં શિક્ષિત થયેલા શિષ્યો આજે આહાર-વિહારથી લઈ સંસ્કૃતિના તમામ નિયમોનું પાલન કરીને વિશ્વના ખૂણેખૂણે ભારતીય સંસ્કારોની સુવાસ ફેલાવી રહ્યા છે. આ અવસરે તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યું હતું કે, વિકાસ ભલે વિશ્વભરમાં થતો રહે, પરંતુ સાચી સંસ્કૃતિ તો માત્ર ભારતમાં જ છે. આ સાથે તેમણે દાદા ખાચરના સમર્પણની વાત કરી, ઉપસ્થિત હરિભક્તોને આવાં શુભ કાર્યો માટે પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ તકે પૂજ્ય મહંત સ્વામીજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હરિભક્તો અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા તથા આ અવસરે શાબ્દિક સ્વાગત શ્રી હરિ ગ્રુપના રાકેશભાઈ દુધાત દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા ભૂમિદાતા અને યજમાનઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande