
મહેસાણા, 04 માર્ચ (હિ.સ.) રંગોના પર્વ ધૂળેટીની રાજ્યભરમાં આનંદોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે મહેસાણા શહેરમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે ઉત્સાહભેર ધૂળેટી ઉજવી હતી. કાર્યક્રમ દરમિયાન રંગ અને ગુલાલની વચ્ચે હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.
સાંસદ મયંક નાયકે કાર્યકર્તાઓને રંગ લગાવી પર્વની શુભકામનાઓ પાઠવી અને સૌને એકતા તથા ભાઈચારો જાળવવાનો સંદેશ આપ્યો. બીજી તરફ કાર્યકર્તાઓએ પણ પોતાના નેતાને ગુલાલથી રંગી તેમની સાથે ખુશીના પળો માણ્યા હતા. નેતા અને કાર્યકર્તા વચ્ચેનો અંતર ભૂલી સૌ એક સમાન રીતે રંગાયેલા નજરે પડ્યા હતા.
આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે ધૂળેટીનો તહેવાર માત્ર રંગોનો નહીં પરંતુ સૌહાર્દ, પ્રેમ અને સમરસતાનો પ્રતિક છે. આવા તહેવારો સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે અને સંબંધોને વધુ મજબૂત બનાવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગીત-સંગીત અને શુભેચ્છાઓ સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR