


મહેસાણા, 04 માર્ચ (હિ.સ.) મહેસાણામાં છેલ્લા 3 વર્ષથી મહિલાશક્તિને પ્રોત્સાહન આપતું અનોખું સન્માન સમારોહ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે મહેસાણા સહિત વડોદરા અને વલસાડમાંથી આવેલી કુલ 61 આત્મનિર્ભર બહેનોનું ગૌરવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ખેતી, પશુપાલન, હર્બલ પ્રોડક્ટ, ખાખરા-પાપડ, શિવણકામ અને બ્યુટી પાર્લર જેવા ગૃહઉદ્યોગ દ્વારા આગવી ઓળખ ઉભી કરનાર મહિલાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી.
આ પહેલ પીનાબેન પટેલ, દિક્ષિતાબેન શાહ, હેતલબેન મહેતા, ગાયત્રીબેન જાની અને મલ્લિકાબેન ભટ્ટ દ્વારા સતત કરવામાં આવી રહી છે. 10 દાતાઓના સહયોગ અને અરિહંત ફાઉન્ડેશનના આર્થિક આધારથી યોજાયેલા આ કાર્યક્રમમાં કોઈ રજિસ્ટ્રેશન ફી લેવામાં આવતી નથી.
ઘાઘરેટ ગામની “મા મહિલા ગૃહઉદ્યોગ ગ્રુપ”ની બહેનો, વડોદરાની 74 વર્ષીય રંજનબેન સોની અને કુવાસણાની શિલ્પાબેન પટેલ જેવી મહિલાઓની પ્રેરણાદાયી સફર ખાસ આકર્ષણ બની. સ્ત્રીપંખ ઈ-મેગેઝિન અને શબ્દધારા ટીમ દ્વારા આયોજિત આ સમારોહ મહિલાશક્તિની ઉજવણી સમાન બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR