મોટા વરાછામાં બંગલામાં મધરાતે આગ: ફાયર ટીમે 96 વર્ષીય વૃદ્ધ સહિત 7 લોકોને બચાવ્યા
સુરત, 04 માર્ચ (હિ.સ.): સુરતના મોટા વરાછા વિસ્તારમાં મધરાતે એક બંગલામાં અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. ભક્તિનંદન રેસિડન્સીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં રાત્રે આશરે 2:35 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર
Surat


સુરત, 04 માર્ચ (હિ.સ.): સુરતના મોટા વરાછા વિસ્તારમાં મધરાતે એક બંગલામાં અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. ભક્તિનંદન રેસિડન્સીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં રાત્રે આશરે 2:35 વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને થોડા સમયમાં જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગ લાગતાં પાર્કિંગમાં ઉભેલી એક કાર, છ બાઇક અને બે સાયકલ તેની ચપેટમાં આવી બળી ખાખ થઈ ગઈ હતી. ઘટનાના સમયે પરિવારના સભ્યો મકાનમાં જ ફસાઈ ગયા હતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો દ્વારા ઝડપી કાર્યવાહી કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાર્કિંગ નજીકના રૂમમાં સુતા ત્રણ બાળકોને સૌથી પહેલા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલા માળેથી 96 વર્ષીય વૃદ્ધ અને અન્ય બે લોકોને બહાર લાવવામાં આવ્યા હતા, જ્યારે બીજા માળે ફસાયેલા એક વ્યક્તિને લેડરની મદદથી નીચે ઉતારવામાં આવ્યો હતો.

ફાયર ફાઇટરોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને કુલ 7 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. બચાવાયેલા લોકોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે આગની ઘટનાઓ વધતી હોવાથી તંત્રએ નાગરિકોને ફાયર સેફ્ટી અંગે ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande