ચીખલી હાઈવે પર રોડ રેજ: બાઈકસવારના મિત્રોએ ટેમ્પો ડ્રાઈવર પર હુમલો
નવસારી, 04 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ચીખલી નજીક હાઈવે પર રોડ રેજની ઘટના સામે આવી છે. ટેમ્પો ઝડપથી ચલાવવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બાઈકસવારે પોતાના સાથીઓને બોલાવી ટેમ્પો ચાલક પર હુમલો કર્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા ચાલકને સારવાર માટે વલસાડની ખ
Navsari


નવસારી, 04 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ચીખલી નજીક હાઈવે પર રોડ રેજની ઘટના સામે આવી છે. ટેમ્પો ઝડપથી ચલાવવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બાઈકસવારે પોતાના સાથીઓને બોલાવી ટેમ્પો ચાલક પર હુમલો કર્યો હતો. ઘટનામાં ઘાયલ થયેલા ચાલકને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ ડાંગ જિલ્લાનો ટેમ્પો ચાલક પોતાના વાહન સાથે ચીખલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક બાઈકસવારે તેને અટકાવી ‘તમે ટેમ્પો આટલી ઝડપે કેમ ચલાવો છો?’ કહીને તર્ક વિતર્ક શરૂ કર્યો હતો. શરૂઆતમાં માત્ર બોલાચાલી થઈ હતી.

થોડીવારમાં બાઈકસવારે ફોન કરીને પોતાના કેટલાક મિત્રોને ત્યાં બોલાવી લીધા હતા. બાદમાં યુવાનોના ટોળાએ ટેમ્પો ચાલક સાથે ઉગ્ર વાદવિવાદ કર્યો અને પછી લાકડાના ફટકા તથા ઢીકાપાટુથી તેના પર હુમલો કર્યો. હુમલા દરમિયાન ચાલકનો મોબાઈલ છીનવવાનો પણ પ્રયાસ થયો હતો.

ઘાયલ ચાલકે જણાવ્યું કે તેણે ગાડી સાઈડમાં ઉભી રાખ્યા છતાં આરોપીઓએ ગાળાગાળી કરી અને 5-6 જણાએ મળીને માર માર્યો. ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. હાલ પોલીસે મારામારી અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande