
સુરત, 04 માર્ચ (હિ.સ.): સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા 28 વર્ષીય વિનેશ વિક્રમભાઈ પટેલનું ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટેલમાં રહસ્યમય રીતે મોત થયું હતું. વિનેશ પોતાની પ્રેમિકા સાથે જી-નાઈન કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઈન હોટેલમાં ગયો હતો. બપોરે લગભગ 3:30 વાગ્યે રૂમમાં અચાનક તેની તબિયત બગડી અને મોઢામાંથી ફીણ નીકળતા તે ઢળી પડ્યો હતો.
આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ વિનેશના ભાઈ સમીરને ફોન કરીને જાણ કરી હતી. થોડા સમયમાં જ ભાઈ સમીર અને 108 એમ્બ્યુલન્સ ટીમ હોટેલ પર પહોંચી હતી. જોકે, પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશના શરીરમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ વિનેશ અને યુવતી છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ પરિવારજનો આ સંબંધ માટે સંમત નહોતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ સ્થળ પર પહોંચી અને હોટેલના રૂમમાં તપાસ શરૂ કરી હતી.
મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસના જણાવ્યા અનુસાર યુવકને ‘ખેંચ’ આવવાના કારણે મોત થયું હોવાની શક્યતા માનવામાં આવી રહી છે, જોકે અન્ય કારણોની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તથા સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે