
સુરત, 04 માર્ચ (હિ.સ.) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ નજીક ધુળેટીના દિવસે એક કરૂણ અકસ્માત બન્યો હતો. સવારથી રંગોત્સવ ઉજવી રહેલા કેટલાક યુવાનો રંગ રમ્યા બાદ શરીર સાફ કરવા માટે નજીકથી પસાર થતી કીમ નદીમાં નહાવવા માટે ગયા હતા.
નદીમાં નહાતી વખતે ત્રણ યુવાનો અચાનક ઊંડા પાણીમાં પહોંચી જતા ડૂબી ગયા હતા. તેમના મિત્રો દ્વારા બૂમાબૂમ કરતા આસપાસના લોકો અને તરવૈયાઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.
આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ ચંદ્રભૂષણ સિંહ, હેપ્પીભાઈ સિંહ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. ધુળેટીના દિવસે આનંદ માણવા ગયેલા આ યુવાનો માટે નદીમાં નહાવા જવું જીવલેણ સાબિત થયું હતું.
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તથા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભારે મહેનત બાદ ત્રણેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે પરપ્રાંતિય તથા એક સ્થાનિક યુવાનનો સમાવેશ થાય છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે